બીટી કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ – ભાગ ૨ (BT cotton cultivation – part 2)

ખેડુતમિત્રો, આ લેખ બીટી કપાસની ખેતી (BT Cotton Cultivation) વિશે લેખમાળાનો બીજો ભાગ છે. તમે પહેલો ભાગ અહિં જોઇ શકો છો.

cotton crop -2

કપાસની પારવણી

કપાસનો યોગ્ય વિકાસ થઈ શકે તે માટે થાણા દીઠ એક જ તંદુરસ્ત છોડ રાખી વધારાના છોડને વાવણી બાદ ૧૫ દિવસે ઉપાડી દૂર કરવા જોઈએ. આમ સમયસર પારવણી કરવાથી છોડના વિકાસ માટે પૂરતી જગ્યા મળી રહેવાથી છોડનો વિકાસ સારો થશે અને છોડ દીઠ ડાળીઓની સંખ્યા વધશે અને સરવાળે વધારે ફુલ-ભમરી બેસવાથી જીંડવાની સંખ્યામાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો મેળવી શકાય.

ખાતર વ્યવસ્થા

કપાસને વાવેતર પહેલા ચાસમાં હેક્ટરે ૧૦ ટન પ્રમાણે છાણિયુ ખાતર આપવાથી પાકને જરૂરી બધા જ પોષક તત્વો તેમાંથી મળી રહેશે. આ ઉપરાંત, જમીનમાં લાંબા સમય સુધી ભેજ સંગ્રહ થવાથી વરસાદની અનિયમિતતા વખતે પાકને પૂરતો ભેજ મળી રહેવાથી વરસાદની ખેંચ સમયે થતી માઠી અસરથી પાકને બચાવી શકાશે. બીટી કપાસની ઉત્પાદન ક્ષમતા વધુ હોવાથી તેમને જરૂરી સુક્ષ્મ તત્વો પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે. બધા જ જરૂરી પોષક તત્વો છાણિયા ખાતરમાં વત્તા-ઓછા પ્રમાણમાં હોવાથી પાકને સંતુલિત પોષણ મળી રહેવાથી પાકનો વિકાસ સારો થશે.

કપાસના પાકને સેન્દ્રિય ખાતર ઉપરાંત રાસાયણિક ખાતરની જરૂરીયાત પણ વધારે રહે છે. કપાસનો આર્થિક પોષણક્ષમ પાક લેવા માટે હેક્ટરે ૨૪૦ કીગ્રા નાઈટ્રોજનની જરૂરીયાત રહે છે, આ માટે નાઈટ્રોજનયુક્ત ખાતર પૂર્તિ ખાતરના રૂપમાં ૩૦, ૬૦, ૭૫, ૯૦ અને ૧૦૫ દિવસનો પાક થાય ત્યારે પાંચ સરખા હપ્તામાં આપવાથી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. કપાસના પાકને ફોસફરસ તત્વની જરૂરીયાત ઓછી હોવાથી જો જમીનમાં લભ્ય ફોસ્ફરસનું પ્રમાણ ઓછું હોય તો જ હેક્ટરે ૪૦ કીલોગ્રામ પ્રમાણે ફોસફરસયુક્ત ખાતર આપવાની ભલામણ કરવામાં આવે છે. ગુજરાતની જમીનમાં લભ્ય પોટાશનું પ્રમાણ વધુ હોવાથી પોટાશયુક્ત ખાતર આપવાની જરૂરીયાત કપાસના પાકમાં રહેતી નથી, પરંતુ કપાસના ઊભા પાકમાં ૨% પોટાશિયમ નાઇટ્રેટના ૩ છટકાવ છોડ પર ફૂલ- ભમરી બેસવાની અવસ્થા, ફૂલ અવસ્થા અને જીંડવાના વિકાસની અવસ્થાએ કરવાથી પાકને જરુરી પોષક તત્વ મળી રહે છે અને કપાસનું ઉત્પાદનમાં વધારો થાય છે અને કપાસની ગુણવત્તામાં સુધારો થાય છે, જેના લીધે કપાસના ભાવ ઊંચા મળે છે.

કપાસના પાકમાં સંતુલિત પોષણ વ્યવસ્થા માટે હેક્ટરે ૧૦ ટન છાણિયા ખાતર ઉપરાંત ૫૦% નાઇટ્રોજન રાસાયણિક ખાતરના સ્વરુપમાં અને ૨૫% નાઇટ્રોજન દિવેલીના ખોળમાંથી આપવાથી કપાસનું ઉત્પાદન સારુ મળે છે અને જમીનની ફળફુપતા લાંબા સમય સુધી જાળવી શકાય છે.

પાળા ચઢાવવા

કપાસનો પાક લાંબા ગાળાનો અને છોડનો વિકાસ પણ વધુ હોવાથી કૂદરતી વાવાઝોડા તથા પવન સામે રક્ષણ મળી રહે અને છોડ ઢળી ન પડે તે માટે ૪૦ દિવસે આંતરખેડ કર્યા બાદપાળા ચઢાવવા જરુરી છે. વરસાદ વધુ પડે તો પાળા ચઢાવવાથી ખેતરમાં પાણી ભરાવાથી કપાસને થતાં નુકસાનથી બચાવી શકાય છે અને પાટલામાંથી નિતાર દ્વારા વધારાનું પાણી ખેતરની બહાર કાઢી શકાય છે.

આંતર પાક

કપાસનુ વાવેતર પહોળા પાટલે કરવામાં આવતું હોવાથી વચ્ચેની જગ્યા પડી રહે છે, જેના લીધે નિંદામણનો ઉપદ્રવ વધુ રહે છે અને શરૂઆતમા કપાસનો વિકાસ પણ ધીમો હોય છે. વહેલા પાકતા અને કપાસના છોડના વિકાસને અવરોધ ન કરે તેવા ટુંકા ગાળામાં તૈયાર થઈ શકે તેવા પાકને કપાસની બે હાર વચ્ચે મગફળી, તલ, સોયાબીન, મગ, અડદ જેવા પાકને આંતરપાક તરીકે લેવાથી એકલા કપાસ કરતા વધુ નફો મળે છે. વળી કઠોળ વર્ગના પાક કપાસ સાથે મિશ્રપાક તરીકે લેવામાં આવે તો જમીનની ફળદ્રુપતા પણ સુધરે છે અને પાકને જરૂરી રાસાયણિક ખાતરની જરૂરીયાતમાં ઘટાડો થાય છે, જેથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડાની સાથે સાથે આર્થિક લાભ પણ થાય છે.

પિયત વ્યવસ્થા

કપાસ લાંબા ગાળાનો પાક હોવાથી ચોમાસા દરમ્યાન વરસાદથી પાણી મળે છે, પરંતુ વરસાદ બંધ થયા પછી પાકને પિયતની જરૂરીયાત રહે છે. કપાસના પાકને છોડની વાનસ્પતિક વૃધ્ધિ, ફુલ-ભમરી (છાપવા), ફુલ તેમજ જીંડવાના વિકાસ અવસ્થા પિયત માટે કટોકટીની અવસ્થાઓ હોવાથી આ સમયે પિયતની ખાસ જરૂરીયાત પડે છે. આ અવસ્થાએ જો જમીનમાં ભેજની અછત વરતાય તો કપાસના ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે, તેથી આ અવસ્થાએ જમીનમાં પૂરતો ભેજ ન હોય તો પિયત અવશ્ય આપવુ જોઈએ. બિનજરૂરી અને વધારે પડતુ પિયત આપવાથી કપાસના પાકને માઠી અસર થાય છે અને ફુલ-ભમરી ખરી પડે છે. આથી, ફુલભમરી આવવાના સમયે વધુ પડતું પિયત આપવુ હિતાવહ નથી. વળી, પિયતની ખેંચ વધુ પડતા ભેજની અછત ઉભી થવાના લીધે પણ ફુલ-ભમરી ખરી પડે છે. આમ કપાસના પાકમાં પિયત વ્યવસ્થા માટે પુરતી કાળજી રાખી પિયત આપવુ જોઇએ.

કપાસમાં ટપક પિયત પધ્ધતિ દ્વારા પિયત આપવામાં આવે તો પિયતનું નિયમન સારી રીતે કરી શકાય છે અને પાકને જરૂરીયાત પ્રમાણે જ પાણી આપી શકાય છે. ટપક પધ્ધતિ દ્વારા પિયતની સાથે રાસાયણિક ખાતર આપવાથી રાસાયણિક ખાતરની જરૂરીયાત પણ ઓછી રહેવાથી ખાતરનો બચાવ થાય છે. આમ, કપાસના પાકમાં ટપક પિયત પધ્ધતિ દ્વારા પિયત સાથે ખાતર આપવાથી હેક્ટરે ૬૦ કીલો નાઈટ્રોજન ખાતરની બચત થાય છે અને પાટલામાં રેલાવીને પિયત આપવાની પધ્ધતિમાં જેટલા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે તેટલા જ જથ્થાનું પાણી ટપક પધ્ધતિ દ્વારા આપવાથી પિયત હેઠળનો વિસ્તાર દોઢ ગણો કરી શકાય છે. કપાસનું આગોતરું વાવેતર ચોમાસા પહેલા કરવાનું હોય ત્યારે ટપક પિયત પધ્ધતિ અપનાવી વાવેતર કરવાથી ઓછા પાણીએ વધારે વિસ્તારમાં કપાસનો પાક ઉગાડી શકાય છે.

કપાસના પાકમાં છેલ્લા વરસાદ પછી ૨૦ થી ૨૫ દિવસે પ્રથમ પિયત આપવું જોઈએ. વરસાદ પછી ૨૦ થી ૨૫ દિવસના આંતરે કપાસના પાકને ૨ થી ૩ પિયતની જરૂર પડે છે. પિયત પાણીની સગવડ મર્યાદિત હોય તો એકાંતરે પાટલે પિયત આપવાથી ઓછા પાણીએ વધારે વિસ્તારમાં પિયત આપી શકાય છે અને આવી રીતે પિયત આપવાથી ભેજનું પ્રમાણ નિયંત્રણમાં રહેવાથી રોગ, જીવાત અને નિંદામણનો ઉપદ્રવ ઓછો રહે છે અને સરવાળે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે.

બીટી કપાસના રોગો અને નિંદાનણ વિશે માહિતી ભાગ ૩ માં આપવામાં આવશે.

સંદ્રભ – નવસારી ક્રુષિ યુનિવર્સિટી

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.

2 thoughts on “બીટી કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ – ભાગ ૨ (BT cotton cultivation – part 2)”

  1. નિટ્રોજન યુક્ત પુરતી ખાતર એટલે ક્યું ખાતર??? પાંચ સરખા હપ્તા માં કેવી રીતે આપવાનું…???

Comments are closed.