સ્વચ્છ દુધ (clean milk) ઉત્પાદન માટે ધ્યાનમાં રાખવાની બાબતો

સ્વચ્છ દુધ (clean milk) એટલે જે દુધ તંદુરસ્ત દુધાળા પશુઓ દ્વારા ઉત્પન થયેલુ હોય, જે સામાન્ય બંધારણ તેમજ સારો સ્વાદ અને સુગંધ ધરાવતુ હોય અને જેમાં ખુબજ ઓછી માત્રામાં હાનિકારક જીવાણું અને રસાયણના અવશેષો હોય તથા જેને કોઈપણ પ્રકારની પ્રક્રિયા વિના લાંબો સમય સંગ્રહ કરી શકાય તેવા દુધને સ્વચ્છ દુધ કહેવામાં આવે છે.

છેલ્લા ઘણા વર્ષોથી આપણા દેશના દુધ ઉત્પાદનમાં ખુબજ પ્રગતી થઈ છે. આજના વૈશ્વીકરણ અને હરીફાઈના યુગમાં જથ્થા સાથે ઉતમ ગુણવતા પણ ખુબજ મહત્વની છે. બીજા દેશોની તુલાનાએ આપણા દેશના દુધની ગુણવતા ઉતરતી કક્ષાની છે. જેમાં સુધારાનો ખુબજ અવકાશ રહેલ છે. ઉચ્ચ ગુણવતા અને નફા વચ્ચે અતુટ સંબધ છે. આપણે જાણીએ છીએ કે ભારતે વિશ્વ વ્યાપાર સંસ્થા સાથે હસ્તાક્ષર કરેલ છે, એટલે બીજા દેશો આપણા દેશમાં મુકત પણે વ્યાપાર કરવા આવી શકે. વિશ્વ હરિફાઈમાં ટકી રહેવા માટે આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણનો અમલ કરવો ફરજીયાત છે. આ આંતરરાષ્ટ્રીય ધારા ધોરણના અમલ દ્વારા દુધની જૈવિક સુક્ષમતામાં સુધારો થાય એ આજના સમયની માંગ છે.

સ્વચ્છ દુધના ફાયદા

  • સ્વચ્છ દુધ જલ્લી બગડતુ નથી.
  • દુધ અને દુધની બનાવટ ઓછા ખર્ચે તૈયાર કરી વધુ વળતર મળે છે.
  • આરોગ્યને હાનિકારક ન હોવાથી નિકાસ કરવાનુ સરળ બને છે.
  • વધુ સમય સુધી સંગ્રહ કરી શકાય છે.

સ્વચ્છ દુધ ઉત્પાદન માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી ખુબજ જરૂરી છે.

પશુપાલકોએ લેવાની કાળજી

સ્વચ્છ દુધ ઉત્પાદન માટે મુખ્ય જવાબદારી પશુપાલકે જ નીભાવવાની છે. દુધ દોહન દરમ્યાન વિશેષ

અને વિવિધ રીતે કાળજી લેવાથી સ્વચ્છ દુધ મળે છે. ઉપરાંત દુધને સ્વચ્છ રાખવા દુધની હેરફેર કરતાં વાહન ચાલક તેમજ શીત કેન્દ્ર અને ડેરીના કર્મચારીઓએ મહત્વનો ભાગ ભજવવાનો હોય છે.

પશુધનની પસંદગી અને માવજત

  • નિષ્ણાંત પશુચિકિત્સા દ્વારા પશુની તંદુરસ્તીની તપાસ કરી પશુ ખરીદવું.
  • જીવલેણ રોગોથી પશુ મુકત રહે એ માટે સમયસર રસી મુકાવવી.
  • રોગીષ્ટ પશુઓને તંદુરસ્ત પશુથી દુર રાખી સારવાર કરાવવી તથા આવા પશુઓનું દુધ તંદુરસ્ત પશુના દુધ સાથે ન ભેળવવું.
  • પશુના શરીર પરના તેમજ પુછડાના વાળ સમયસર કાપતા રહેવું.
  • પશુ શરીરને ધોઈને સાફ રાખવું તેમજ પશુને સંતુલીત આહાર અને ચોખ્યું પાણી મળી રહે તેની વિશેષ કાળજી લેવી.
  • પશુનું રહેઠાણ પાકુ તેમજ યોગ્ય હવા ઉજાસ વાળુ હોવુ જઈએ.

દુધ દોહન પહેલા લેવાની કાળજી

  • દુધ દોહન કરતા પહેલા તબેલાની સફાઈ કરવી જરૂરી છે. આમ ન કરવાથી ધુળમાં રહેલ રજકણો ઉડીને દુધને દુષિત કરે છે.
  • દુધ દોહન પહેલા પશુને સુકોચારો ન આપવો જેનાથી હવામાં રજકણો ફેલાય છે, જે દુધને દુષિત કરે છે.

દુધ દોહતી વખતે લેવાની કાળજી

  • પશુને સવાર-સાંજ ચોકકસ સમયે દોહવું જોઈએ.
  • દોહન કરતા પહેલા પશુના શરીરનો પાછળનો ભાગ સાફ કરવો, તેમજ બાવલા અને આંચળને હુફાળા પાણીથી ધોઈને ચોખા કપડાથી સાફ કરી તેને કલોરીન અથવા પોટેશીયમ પરમેગેનેટના દ્રવ્યથી ધોવા જોઈએ.
  • મુઠી પધ્ધતીથી અંગુઠો અંદર રાખીને દોહવાથી આંચળમાં ગાંઠ થવાની શકયતા રહે છે. તેથી અંગુઠો બહાર રાખીને મુઠીથી દોહન કરવું. નાના આંચળવાળા પશુઓને ચપટી પધ્ધતીથી દોહવાનું રાખો.
  • દુધ દોહન ઝડપી અને સ્વચ્છ વાતાવરણમાં રાખો, એક વખત દોહવાનુ ચાલુ કર્યા બાદ ઝડપથી (૫-૭ મીનીટમાં) દોહન પુર્ણ કરો.
  • દુધ દોહતી વખતે દુધની પ્રથમ ૩-૪ શેડ દોહનના વાસણની બહાર કાઢી નાખવી જોઈએ કેમ કે તેમા મહતમ જીવાણું હોવાની શકયતા હોય છે.
  • એક થી વધુ દુઝણા પશુઓને દોહવાના હોય તો એક પશુને દોહયા બાદ, હાથ ધોયા પછી જ બીજા પશુને દોહવું.
  • રોગીષ્ટ પશુનુ દુધ જમીન ઉપર ન કાઢતા અલગ વાસણમાં કાઢી તેને દુર ફેંકી દેવું જોઈએ. અથવા દાટી દેવું.
  • દુધ દરેક આંચળ માંથી પુરેપુરુ દોહી લેવું તથા ક્રોસમાં(સામ-સામે) આંચળ દોહવા જોઈએ નહીં.
  • દુધ દોહનાર વ્યકિતએ સ્વચ્છ અને સુઘડ કપડા પહેરેલા હોવા જોઈએ તથા વાળ વ્યવસ્થિત ઓળેલા અને ઢાંકેલા રાખવા, જેથી તે દુધમાં ન પડે. ઉપરાંત લાંબા નખ કાપી નાખવા જેથી આંચળને ઈજા ન થાય અને નખોનો મેલ દુધને દુષિત ન કરે.
  • આાઉ અને આંચળની નાની-નાની ઈજાને સમયસર સારવાર કરાવવી.
  • દુધ દોહન કરતી વખતે પશુને દાણ કે લીલોચારો જ ખવડાવવો.
  • દુધ દોહન કર્યા બાદ ટીટ ડીપ / સ્પ્રેનો ઉપયોગ કરવો એટલે કે દુધ દોહન પુર્ણ કર્યા બાદ આંચળને જીવાણુ નાશક દ્રાવણમાં ( કલોરીન અથવા પોટેશીયમ પરમેગેનેટ) ડુબાડવા જોઈએ. વારવાર આઉનો રોગ થતો હોય તેવા પશુની છટણી કરવી.

દુધ દોહયા પછીની કાળજી

  • દુધ દોહયા પછી તરત જ ત્યાંથી લઈલો કારણ કે, આજુબાજુની વાસ તેમાં શોષાઈને દુધનો સ્વાદ અને સુગંધ બગાડે છે.
  • દુધને તાત્કાલીક દુધ મંડળી પર પહોંચાડો.
  • દુધ ભરેલ વાસણ ઢાંકેલુ રાખો.
  • વાસી દુધ કે પાણી તાજા દુધમાં કદી ન ભેળવવા.

દુધના વાસણો અને તેની સ્વચ્છતા

  • દુધ દોહનમાં વપરાતું વાસણ સ્વચ્છ, ચોખ્ખ, સુકુ અને સાકડા મોંઢા વાળું હોવું જોઈએ.
  • કાટ રોધક અને સહેલાઈથી સાફ થઈ શકે તેવા સ્ટેઈનલેસ સ્ટીલના વાસણો વાપરો. વાંસણોમાં ડાઘ, તીરાડ કે ખાંચા ન હોવા જોઈએ.
  • દુધ દોહન પહેલા અને પછી વાસણોની ગરમ પાણીથી વ્યવસ્થિત સફાઈ કરવી, વોશીંગ પાવડરનો ઉપયોગ લાભદાયક છે.
  • સાફ વાસણ ધુળ રહિત જગ્યા પર તાપમાં સુકવો.

સ્વચ્છ દુધ ઉત્પાદન માટે રાજય સરકાર કે ડેરી સંઘ દૂરા લેવાના થતા પગલા

  • આઉના રોગનો અટકાવ કરવા ટીટ ડીપ / સ્પ્રેનો ઉપયોગ થાય તે માટે સઘન પ્રયાસ હાથ ધરવામાં આવે.
  • વધુ સંખ્યામાં પશુ રાખતા પ્રગતિશીલ દુધ ઉત્પાદકો / પશુ પાલક દુધ દોહવાના મશીન અને ફાર્મ કુલીંગ (ચીલર) વસાવે તે માટે પ્રોત્સાહીત કરવા.
  • દુધ મંડળી ખાતે દુધ ગાળીને લેવાય તે માટે કેન પર ફીટ થઈ શકે તેવા કાપડના ફીલ્ટરનો ઉપયોગ ફરજીયાત બનાવવો.
  • સ્વચ્છ દુધ ઉત્પાદન અંગે, રોગ અટકાવવા અંગે તથા ઓછા ખર્ચે સ્વચ્છ દુધ ઉત્પાદન થાય તે માટેના ઉપાયોની પશુપાલકોને સતત જાણકારી આપવી.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.