ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતી (summer sesame crop)

sesame

તલ એક અગત્યનો તેલીબિયા પાક છે. ભારતમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તલનું વાવેતર થાય છે. આપણા દેશમાં તલ ઉગાડનાર રાજયોમાં ગુજરાત મોખરે છે. તલ એ ટૂંકાગાળાના પાક હોઈ મુખ્ય પાક તરીકે, મિશ્રપાક તરીકે અને આંતરપાક તરીકે પણ સફળતાથી લઈ શકાય છે. તલમાં સામાન્ય રીતે ૪૬ થી પર ટકા જેટલું તેલનું પ્રમાણ હોય છે. તમામ ખાદ્યતેલો પૈકી તલનું તેલ ઉત્તમ ગણાય છે. તલનો પાક મુખ્યત્વે ચોમાસુ ઋતુમાં લેવામાં આવે છે, પરંતુ વરસાદની પરિસ્થિતિ સુધરતાં અને કપાસનો વાવેતર વિસ્તાર વધતાં ગુજરાતમાં ચોમાસુ તલનો વિસ્તાર ઉતરોતર ઘટવા પામેલ છે. પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જયાં પિયતની સગવડ છે ત્યાં છેલ્લા થોડા વર્ષોથી ઉનાળુ તલનું વાવેતર (summer sesame crop) ઉત્તરોત્તર વધતું જાય છે.

સામાન્ય સંજોગોમાં ઉનાળુ તલનું ઉત્પાદન ચોમાસુ તલ કરતાં લગભગ દોઢાથી બમણું મળે છે, કારણ કે ઉનાળુ ઋતુમાં તમામ ખેતીકાર્યો યોગ્ય સમયે કરી શકાય છે. આ ઉપરાંત ઉનાળામાં અનુકૂળ તાપમાન, સૂર્યપ્રકાશના વધુ કલાકો, પ્રકાશસંશ્લેષણનો ઊંચો દર વગેરે જેવા સાનુકૂળ પરિબળોને કારણે તેમજ રોગ-જીવાતના ઓછા/ નહિવત્ત ઉપદ્રવને કારણે ઉનાળુ ઋતુમાં તેલનું વધુ ઉત્પાદન મળે છે.

જમીનની પસંદગી અને તેયારી

તલના પાકને રેતાળ, હલકી, મધ્યમ કાળી, ગોરાડુ અને સારા નિતારવાળી જમીન વધુ અનુકૂળ આવે છે. પરંતુ આ પાકને ક્ષારયુકત, ભામિક તેમજ ભારે કાળી અને ઓછા નિતારવાળી જમીન માફક આવતી નથી. આગળની ઋતુના પાકના અવશેષો વીણી, આડી ઊભી ખેડ કરી મારી જમીન સમતલ અને ભરભરી બનાવવી. જમીન તૈયાર કરતી વખતે હેકટર દીઠ ૮ થી ૧૦ ટન સારૂ કહોવાયેલું છાણિયું ખાતર જમીનમાં સારી રીતે ભેળવવું અથવા ચાસમાં ભરવું. જેથી જમીનની ભૌતિક સ્થિતિ સુધારે છે, ભેજસંગ્રહ શક્તિ અને ફળદ્રુપતામાં વધે છે અને પરિણામે પાક ઉત્પાદન વધે છે.

ગુજરાત માટે ભલામણ કરેલ તલની જાતો નીચે મુજબ છે.

ગુજરાત તલ – ૧ : ૯૦ થી ૯૫ દિવસમાં પાકે છે, હેક્ટેર દિઠ ૧૧૦૦ કિલો ઉત્પાદન મળે છે.

ગુજરાત તલ – ૨ : ૮૫ થી ૯૦ દિવસમાં પાકે છે, હેક્ટેર દિઠ ૧૨૫૦ કિલો ઉત્પાદન મળે છે.

ગુજરાત તલ – ૩ : ૮૫ થી ૯૦ દિવસમાં પાકે છે, હેક્ટેર દિઠ ૧૨૭૫ કિલો ઉત્પાદન મળે છે.

વાવણી સમય

તલનું વાવેતર ઠંડી ઓછી થયે ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયામાં કરવું હિતાવહ છે. વહેલું વાવેતર કરવાથી ઉગાવો ઓછો થાય છે અને છોડનો વિકાસ ધીમો રહેવાથી ઉત્પાદન ઓછું મળે છે. જો મોડું વાવેતર કરવામાં આવે તો પાકવાના સમયે વરસાદ ચાલુ થઈ જવાની શકયતા રહે છે, જેની માઠી અસર થાય છે તેમજ શ્રેસિંગ, ગ્રેડિગ અને પેકિંગ કરવાનો સમય પૂરતો રહેતો નથી.

બિયારણનો દર

તલના પાક માટે હેકટર દીઠ ૨.૫ કિ.ગ્રા. બિયારણની જરૂરિયાત રહે છે.

વાવણી અંતર

તલના વાવતેર ૪પ થી ૬૦ સે.મી.ના અંતરે કરી બે છોડ વચ્ચે ૧૨ થી ૧૫ સે.મી. જાળવવું.

રાસાયણીક ખાતર

હેકટર દીઠ ૫૦ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૨૫ કિલોગ્રામ ફોસ્ફરસ આવાની ભલામણ છે. જે પૈકી ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૨૫ કિલોગ્રામ ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવો, જયારે બાકીનો ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન વાવણી બાદ ૩૦ દિવસે પૂર્તિ ખાતર તરીકે આપવો. જમીનમાં સલ્ફરની ઉણપ હોય તો હેકટરે ર૦ કિલોગ્રામ સલ્ફર જીપસમના રૂપમાં આપવો.

પિયત

સામાન્ય રીતે ઉનાળુ તલને ૮ થી ૧૦ પિયત જમીનના પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસના અંતરે આપવાના થતા હોય છે. આમ છતાં પિયતની સંખ્યા અને બે પિયત વચ્ચેનો સમયગાળો જમીનના પ્રકાર/પ્રત અને સ્થાનિક હવામાન ઉપર આધાર રાખે છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉનાળુ તલને ૭ થી ૯ પિયતની જરૂર પડે છે. પ્રથમ પિયત તલનું વાવેતર કર્યા બાદ છઠા દિવસે આપવું. બીજું પિયત પ્રથમ પિયત બાદ છઠા દિવસે આપવું. બાકીના પ થી ૭ પિયત જમીનના પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસના અંતરે આપવા. જો પાકની કટોકટીની અવસ્થાઓએ જમીનમાં ભેજની ખેચ પડે તો ઉત્પાદન પર માઠી અસર થાય છે. માટે તલની કટોકટીની અવસ્થાઓ જેવી કે ફૂલ અવસ્થા અને બેઢા અવસ્થાએ પિયત અવશ્ય આપવું. તલના પાકને જયારે પિયત આપવાનું થાય ત્યારે હળવું પિયત અને પવનની ઓછી ગતિ હોય ત્યારે આપવાથી તલના છોડ ઢળી પડતાં અટકાવી શકાય છે.

નિંદામણ

વાવણી બાદ ૨૦ અને ૪૦ દિવસે બે હાથ નીંદામણ તથા આંતરખેડ કરવી.

જીવાતો

પાન વાળનારી ઇયળ:

ખેડૂતો આ જીવાતને તલના “માથા બાંધનારી ઈયળ” ના નામથી પણ ઓળખે છે. પાકના વાવેતર પછી તરત જ ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવવાથી જીવાતનાં કૂદાનો નાશ થતા જીવાત કાબૂમાં રહે છે. જેવિક કીટનાશક દવા જેવી કે બીવેરીયા બેઝીયાના પ ગ્રામ/લિટર અથવા લીંબોળીના મીંજનું પ% દ્રાવણ (૧૦ લિટર પાણીમાં પ૦૦ ગ્રામ મીંજનો ભૂકો) જીવાતનો ઉપદ્રવ શરૂ થયેથી ૧૫ દિવસના અંતરે ૩ છટકાવ કરવા. કિવનાલફોસ ર૦ મિ.લિ. અથવા ડાયકલોરવોસ ૭ મિ.લિ. પૈકી કોઈપણ એક દવા ૧૦ લિટર પાણીમાં મેળવી વાવેતર પછી ૩૦, ૪૫ અને ૬૦ દિવસે એમ ત્રણ છટકાવ કરવાથી સારૂ નિયંત્રણ મળે છે.

ગાંઠીયા માખી:

પાકમાં કળીઓ બેસવાની શરૂઆત થાય એટલે ડાયમીથોએટ ૧૦ મિ.લિ. અથવા ડાયકલોરવોસ ૮ મિ.લિ. અથવા કિવનાલફોસ ર૦ મિ.લિ. અથવા મીથાઈલ-ઓ-ડીમેટોન ૧૦ મિ.લિ. પૈકી કોઈપણ એક દવા ૧૦ લિટર પાણીમાં મેળવી છટકાવ કરવો.

પાનકથીરી:

ખેતરની ફરતે આડશ ન હોય તેવું ખેતર તલના વાવેતર માટે પસંદ કરવું જેથી પવનની અવરજવર રહે અને પાનકથીરીનો ઉપદ્રવ ટાળી શકાય. આ જીવાતનો ઉપદ્રવ શરૂ થાય કે તરત જ ડાયકોફોલ ર૦ મિ.લિ. અથવા દ્રાવ્ય ગંધક ૧૭ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મેળવી છટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છટકાવ ૧૦ દિવસ બાદ કરવો.

ભૂંતીયું ફુદું:

ઉપદ્રવ ઓછો હોય તો ઈયળોનો હાથથી વીણી નાશ કરવો. રાત્રિના સમયે ખેતરમાં પ્રકાશ પિંજર ગોઠવવવાથી કૂદાનો નાશ થતાં જીવાત કાબૂમાં રહે છે. વધારે ઉપદ્રવ હોય તો કિવનાલફોસ ૧.૫% ભૂકી હેકટરે ર૦ કિલો મુજબ છાંટવી.

સફેદ માખી:

આ જીવાતના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ ૪૦ ઈ.સી. ૧૫ મિ.લિ., એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ, મિથાઈલ-ઓ-ડીમેટોન ૧૨ મિ.લિ., લીમડા આધારીત ૦.૧૫% એઝાડીરેકટીનવાળી દવા પO મિ.લિ. પૈકી કોઈપણ એક દવા ૧૦ લિટર પાણીમાં મેળવી છટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છટકાવ ૧૦ દિવસ પછી કરવો.

રોગો

પાનનાં ટપકા:

  • બીજને વાવેતર કરતા પહેલા પ્રતિ કિલોગ્રામ બીજ દીઠ ૩ ગ્રામ થાયરમ ૭૫% દવાનો પટ્ટ આપીને વાવેતર કરવું.
  • રોગની શરૂઆત થતા કાર્બેન્ડાઝીમ પ૦% વે..પા દવા ૧૦ લિટર પાણીમાં ૧૦ ગ્રામ પ્રમાણે મેળવી છટકાવ કરવો. બીજો છટકાવ પંદર દિવસ બાદ કરવો.

સુકારો:

  • રોગ જમીનજન્ય હોવાથી જે જમીનમાં રોગ જોવા મળે ત્યાં બીજા વર્ષે તલનું વાવતર કરવું નહિ.
  • તલના વાવેતર કરતા પહેલા એક કિ.ગ્રા.બીજને ત્રણ ગ્રામને હિસાબે થાયરમ ફૂગનાશક દવાનો પટ્ટ આપવો.
  • તલ ગુજરાત-ર જેવી સુધારેલ જાતોનું વાવેતર કરવું.

થડ અને મૂળનો સુકારો

  • રોગમુકત બીજની પસંદગી કરવી.
  • બીજને થાયરમ દવા (૪ થી ૫ ગ્રામ / કિ.ગ્રા. બીજ) ની માવજત આપી વાવવા.
  • ઊભા પાકમાં રોગની શરૂઆત થાય ત્યારે મેનકોઝેબ ૭૫% વે..પા.ર૦ ગ્રામ તેમજ કાર્બેન્ડાઝીમ પ૦% વે..પા. ૧૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળીને છોડના દરેક ભાગ પર વ્યવસ્થિત છટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છટકાવ કરવો.

પાનનો કોકડવા અને ગૂછાપણ

  • આ રોગ કીટક દ્વારા ફેલાતો હોવાથી નિયંત્રણ માટે કીટનાશક દવા જેવી કે ફોસ્ફામીડોન (૧૦ લિટર પાણીમાં ૩ મિ.લિ. દવા) કે ડાયમીથીઓટ (૧૦ લિટરમાં ૨૦ મિ.લિ. દવા) નો છંટકાવ બે વખત ૧૦ દિવસના અંતરે કરવાથી આ રોગ ફેલાવતા કીટકોનું નિયંત્રણ કરી શકાય છે જેથી રોગનો ફેલાવો અટકે

કાપણી અને થ્રેશિંગ

તલના પાક ૮૫ થી ૯૦ દિવસે પાકી જાય છે. છોડ પર બેઢા પીળા પડવા માંડે અને પાન ખરવા માંડે ત્યારે તલની કાપણી કરવી. આખા છોડ કાપીને તેને નાના પૂળા બાંધવા. બાંધેલા પૂળાને ખેતરમાં અથવા ખળામાં લાવીને તેના ઊભડા કરવા. ઊભડા બરાબર સુકાઈ ગયા બાદ પૂળાઓને બુંગણમાં ઊંધા કરીને ખંખેરીને દાણા છૂટા પાડવા. આ રીતે થોડા થોડા સમયના અંતરે બે થી ત્રણ વખત ઘાંટામાંથી બધા બી છૂટા પાડવા. બિયારણના જથ્થાને સાફસૂફ કરીને ગ્રેડિંગ કરવું. ત્યારબાદ બીજના જથ્થાને શણના નવા કોથળામાં ભરી જયાં જીવાતનો ઉપદ્રવ ન હોય તેવા ગોડાઉનમાં સંગ્રહ કરવો. સંગ્રહ વખતે બીજમાં ૯ ટકાથી વધુ ભેજ ન રહે તેની ખાસ કાળજી રાખવી.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.