વૈજ્ઞાનિક પધ્ધતિથી ભીંડાની (Ladyfinger) ખેતી

Okraભીંડા (Ladyfinger) એ શાકભાજીનો ખરીફ તેમજ ઉનાળુ ૠતુમાં થતો અગત્યનો પાક છે. ભીંડાની લીલી કુમળી શીંગોનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે. ભીંડામાંથી વિટામીન એ, બી અને સી તથા પ્રોટીન અને રેસાઓ સારા પ્રમાણમાં મળી રહે છે. આ ઉપરાંત તેમાંથી લોહ, આયોડીન જેવા તત્વો પણ મળતા હોવાથી ભીંડા સ્વાસ્થ્ય માટે ઘણા ગુણકારી ગણાય છે. ગુજરાતમાં ભીંડાનું વાવેતર મુખ્યત્વે સુરત, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, નવસારી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને આણંદ જીલ્લાઓમાં વત્તા ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે. ભીંડા એ સ્થાનિક બજાર અને નિકાસ માટે અગત્યનો પાક હોવાથી તેનું વઘુમાં વઘુ ઉત્પાદન મળી શકે તે માટે તેની ખેતી પદ્ધતિ અને પાક સંરક્ષણ માટેની માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે.

ભીંડાની સુધારેલી જાતો

(1) ગુજરાત સંકર ભીંડા-૧ – આ જાતનું ઉત્પાદન અને ગુણવત્તા અન્ય જાતો કરતાં સારી છે. આ જાત પીળી નસના રોગ સામે મઘ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે. આ જાતની શીંગો કુમળી, મઘ્યમ લંબાઈની આકર્ષક ઘેરા લીલા રંગની હોય છે.

(2) ગુજરાત ભીંડા-૨ – આ જાત ખરીફ અને ઉનાળુ બંને ૠતુમાં વાવેતર માટે અનુકૂળતા ધરાવે છે. આ જાતની શીંગો કુમળી, લાંબી અને લીલા રંગની આકર્ષક હોય છે. પીળી નસના રોગ સામે મઘ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે. આ જાત સુધારેલ પ્રકારની હોવાથી તેનું બીજ બીજા વર્ષે ઉપયોગમાં લઈ શકાય છે.

(3) પરભણી ક્રાંતિ – આ જાત ભીંડાની પીળા નસના રોગ સામે મઘ્યમ પ્રતિકારકતા ધરાવે છે. ગુજરાતમાં આ જાત ઘણી જ લોકપ્રિય થયેલ છે. આ જાતની શીંગો મઘ્યમ લંબાઈની કુમળી અને આકર્ષક હોય છે.

આબોહવા – ભીંડા એ ગરમ ૠતુનો પાક હોવાથી તેનું વાવેતર ખરીફ તેમજ ઉનાળુ બંને ૠતુમાં કરવામાં આવે છે. આ પાકને ગરમ અને ભેજવાળી આબોહવા વઘુ માફક આવે છે. આ પાક વધારે પડતી ઠંડીમાં થઈ શકતો નથી.

જમીન

સામાન્ય રીતે બધા જ પ્રકારની જમીનમાં લઈ શકાય છે. તેમ છતાં સારા નિતારવાળી ભરભરી, ગોરાડુ, બેસર તથા મઘ્યમકાળી જમીન વઘુ માફક આવે છે. વધારે પડતી કાળી જમીનમાં ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ રહેતું હોય તો આવી જમીનમાં ઉનાળુ ૠતુમાં ભીંડાનો પાક સારી રીતે લઈ શકાય છે.

જમીનની તૈયારી – અગાઉનો પાક પૂરો થયા બાદ સારી રીતે ખેડ કરી અગાઉના પાકના જડીયા વીણી ખેતરને બરાબર સાફ કરવું. જમીનને કરબ અને સમાર મારી ભરભરી બનાવી તૈયાર કરવી. આવી તૈયાર કરેલ જમીનમાં હળ દ્વારા ચાસ ખોલી છાણિયું ખાતર તેમજ પાયામાં આપવાના થતાં રાસાયણિક ખાતરો આપવા.

વાવણીનો સમય – ખરીફ ૠતુમાં આ પાકની વાવણી જૂન-જુલાઈ માસમાં કરવામાં આવે છે અને ઉનાળુ પાક તરીકે તેની વાવણી ફેબુ્રઆરી-માર્ચ માસમાં કરવામાં આવે છે.

વાવણી પદ્ધતિ અને બિયારણનો દર – ભીંડાની વાવણી થાણીને અથવા ઓરીને કરવામાં આવે છે. સંકર જાતોનું બીજ વધારે મોંધુ હોવાથી તેનું વાવેતર હંમેશા થાણીને દરેક થાણે બેથી ત્રણ બીજ મૂકી કરવું.

સામાન્ય રીતે ભીંડાના પાકમાં કોઠામાં જણાવ્યા મુજબ વાવણીનું અંતર અને બિયારણ દર રાખવો.

ખાતર – જમીન તૈયાર કરતી વખતે ૧૦થી ૧૨ ટન પ્રતિ હેક્ટર પ્રમાણે છાણિયું ખાતર આપવું. ત્યારબાદ પાયાના ખાતર તરીકે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વના રૂપમાં ૫૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે ચાસમાં વાવણી સમયે આપવા. પૂર્તિ ખાતર તરીકે ૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન તત્વ ભીંડામાં ફૂલ આવે ત્યારે આપવું.

પિયત

ખરીફ ૠતુમાં વરસાદની પરિસ્થિતિ અને જમીનની જાતને ઘ્યાનમાં રાખીને જરૂરિયાત મુજબના પિયત આપવા.

ઉનાળામાં ભીંડાની જાત, જમીનની પ્રત અને પાકની અવસ્થાને ઘ્યાનમાં રાખી ૮-૧૦ દિવસના અંતરે પિયત આપવા. ભીંડામાં શીંગોની વીણી ચાલુ હોય ત્યારે પિયતની ખેંચ ન વર્તાય તેનું ખાસ ઘ્યાન રાખવું. વઘુમાં આ પાકને ઉનાળા દરમ્યાન ટપક પદ્ધતિથી પિયત આપવામાં આવે તો પાણીનો સારો એવો બચાવ કરી શકાય અને ઉત્પાદનમાં પણ વધારો મેળવી શકાય છે.

નીંદણ

નિયંત્રણ – પાકની શરૂઆતની અવસ્થાએ કરબડીથી બેથી ત્રણ વખત આંતરખેડ અને જરૂરિયાત મુજબ હાથથી નીંદામણ કરી પાકને નીંદામણ મુક્ત રાખવો.

જે વિસ્તારમાં મજુરોની અછત હોય તો પેન્ડીમીથાલીન અથવા ફલુક્લોરાલિન ૧ કિ.ગ્રા. નીંદણનાશક દવા પ્રતિ હેક્ટરે વાવણી બાદ તૂરત જ છંટકાવ કરવો અને ૪૫ દિવસ બાદ હાથ વડે નીંદામણ કરવાથી સારો ફાયદો થાય છે.

પાક સંરક્ષણ – ભીંડાના પાકમાં મોલો, તડતડીયા, પાનકથીરી અને ડૂંક કોરી ખાનાર ઈયળો મુખ્યત્વે જોવા મળે છે. જેના નિયંત્રણ માટે ભલામણ કરેલ સંકલિત કીટક નિયંત્રણ અને કીટનાશક દવાઓનો ઉપયોગ કરવો.

આ ઉપરાંત ભીંડામાં પીળી નસનો (પંચરંગીયો) રોગ જોવા મળે છે, જેના નિયંત્રણ માટે ભલામણ કરેલ રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી તથા આ રોગની અસર પામેલા છોડ દેખાય કે તરત જ છોડને ઉપાડીને તેનો નાશ કરવો. આ રોગ સફેદ માખી દ્વારા ફેલાતો હોવાથી તેનું નિયંત્રણ કરવું.

હોર્મોન્સનો છંટકાવ – ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા થયેલ સંશોધન ઉપરથી માલુમ પડેલ છે કે સાયકોસીલ હોર્મોન્સનું ૭૫૦ પી.પી.એમ. દ્રાવણ ભીંડાની વાવણી પછી એક મહિને છાંટવાથી છોડ ઉપર લીલી શીંગોની સંખ્યા વઘુ બેસે છે અને લીલી શીંગોનું ૩૩ ટકા સુધી વધારે ઉત્પાદન મળે છે.

ભીંડાની વીણી – વાવણી બાદ દોઢથી બે માસ ભીંડા ઉતારવાની શરૂઆત થાય છે. પ્રથમ વીણી કર્યા પછી બેથી ત્રણ દિવસના અંતરે લીલી કુમળી શીંગો નિયમિત રીતે ઉતારતા રહેવું. મોડી વીણી કરવાથી શીંગોમાં રેસાનું પ્રમાણ વધે છે, ઉત્પાદન ઘટે છે અને બજારભાવ પણ ઓછા મળે છે. બે માસ સુધી વીણી ચાલુ રહેતાં અંદાજે ૨૦થી ૨૫ વીણી મળે છે. કીટનાશક દવાના છંટકાવ બાદ ઓછામાં ઓછા ત્રણથી ચાર દિવસ બાદ જ વીણી કરવી જોઈએ નહીંતર માણસના સ્વાસ્થ્યને હાનિકારક નીવડે છે, એટલે કે વીણી કર્યા બાદ તરત જ જંતુનાશક દવાનો છંટકાવ કીટકને ઘ્યાનમાં રાખીેન કરવો જોઈએ.બજારમાં લઈ જતાં પહેલાં રોગવાળી, રેસાવાળી તેમજ જીવાતથી નુકસાન પામેલ શીંગો દૂર કર્યા બાદ જ ગ્રેડીંગ કરીને બજારમાં વ્યવસ્થિત પેકીંગ કરીને વેચાણ માટે લઈ જવી જોઈએ.

ઉત્પાદન – ભીંડાના પાકને સમયસર અને સારી માવજત આપવામાં આવે તો એક હેક્ટરે અંદાજે ૧૨થી ૧૫ ટન લીલી શીંગોનું ઉત્પાદન મળે છે.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી  ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.

સફલ કિસાન દ્વારા મોકલાતી ખેતી વિશેની નવી માહિતી વિશે વાટસએપ પર જાણવા માંગતા હોય તો

  • તમારૂં નામ, વોટ્સએપ મોબાઇલ નંબર, ગામ, તાલુકો અને જીલ્લો નીચે આપો.
  • 9742946225 નંબર તમારા ફોન પર સેવ કરો. નંબર સેવ કર્યા વગર વોટ્સએપ પર મેસેજ નહીં મળે
  • તમારા ફોનથી 9742946225 પર Hi મેસેજ મોકલો.

તમે એક વાર તમારી માહિતી આપી હોય તો પાછી આપવાની જરૂર નથી.

તમારું નામ*
અટક*
વોટ્સએપ નંબર*
ગામ*
તાલુકો*
જીલ્લો*
શું તમે સફલ કિસાનનો નંબર 9742946225 તમારા ફોન પર સેવ કર્યો છે? સેવ કરેલ હોય તો 'Yes' લખો. નંબર સેવ કર્યા વગર અમારા મેસેજ નહી મળે.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *