શેડનેટ હાઉસમાં ઉનાળામાં લીલા શાક્ભાજીની ખેતી (shade net house farming)

લીલા પાંદડાવાળા શાકભાજીમાં ખાસ કરીને પાલક, તાંદળજો, મેથી અને ધાણાનો સમાવેશ કરવામાં આવે છે. લીલા પાંદડાવાળા શાકભાજી પાકોને ઠંડુ અને ઓછા ભેજવાળું હવામાન પસંદ હોવાથી આ પાકોની ખેતી શિયાળામાં સારી રીતે કરી શકીએ છીએ. પરંતુ શિયાળામાં આપણને જોઈએ એવા ભાવ મળતા નથી. પરંતુ આ પાકોની જો આપણે ઉનાળામાં ખેતી કરીએ તો શિયાળા કરતા વધુ ભાવ મળે છે. ઉનાળામાં ખુલ્લા ખેતરમાં લીલા પાંદડાવાળા શાકભાજીનું ઉત્પાદન મળતું નથી. તેથી જો આપણે શેડનેટ હાઉસ બનાવી, તેમાં જો લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે, પાલક, તાંદળજો, મેથી અને ધાણાની ખેતી કરીએ તો સારામાં સારું ઉત્પાદન અને સારામાં સારો ભાવ મેળવી શકીએ છીએ. શેડનેટ હાઉસમાં (shade net house) આા પાકો ઉગાડવાથી નીચે મુજબ ફાયદા મેળવી શકીએ છીએ.

  • ઓફ સીઝન એટલે કે ઉનાળામાં પણ આપણે આ પાકો લઈ શકીએ છીએ.
  • ઓછા ખર્ચામાં અને ખેતરમાં થોડા વિસ્તારમાં આપણે સારું ઉત્પાદન લઈ સારી કમાણી કરી શકીએ છીએ.
  • જીવાત અને રોગ ખૂબજ ઓછા પ્રમાણમાં જોવા મળે છે જેથી દવાના છટકાવનો ખર્ચ પણ ઓછો થાય છે.
  • એકસરખી પરિપકવતા મળતી હોવાથી એક સાથે ઉત્પાદન લઈ સારો એવો ભાવ મેળવી શકાય છે.

શેડનેટ હાઉસ બનાવતી વખતે આપણે નેટનો કલર અને શેડ % ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. બજારમાં આપણને લીલો, લાલ, કાળો અને સફેદ કલરની નેટ મળી રહે છે. તેમાથી લીલા કલરની નેટમાં આપણને વધુ ઉત્પાદન મળતું હોવાથી તે વાપરવી યોગ્ય છે. શેડ % ની વાત કરીએ તો શેડ % એટલે, કેટલા % સૂર્યપ્રકાશ સામે રક્ષણ આપી શકે. દા.ત. ૩૦% શેડનેટ અથતુિ નેટ ૩૦% છાયો આપશે અને ૭૦% સૂર્યપ્રકાશ પસાર થવા દેશે. બજારમાં ૩૦%, ૪૦% , પ૦%, ૭૫%, ૯૦% ની શેડનેટ મળે છે. પરંતુ લીલા પાંદડાવાળા શાકભાજીની વાત કરીએ તો પાલક અને તાંદળજા માટે પ૦% અથવા ૩૦% શેડનેટ વાપરી શકીએ. જયારે ધાણા અને મેથી તાપમાન સામે સંવેદન પાક હોવાથી ઉનાળામાં ૭૫% શેડનેટ વાપરવી યોગ્ય છે.

જમીન

પાલક, તાદંલજો, ધાણા અને મેથીને બધા જ પ્રકારની જમીન માફક આવે છે, તેમ છતાં સારા નીતરવાળી અને પાણીનો ભરવો ન થાય તેવી ભારે કાળી સિવાયની, રેતાળ ગોરાળું અને બેસર જમીન વધારે માફક આવે છે.

આબોહવા

મેથીને શિયાળાનું ઠંડુ અને ભેજરહિત સૂકું હવામાન વધારે માફક આવે છે, પરંતુ શેડનેટ હાઉસમાં ઉનાળામાં પણ આપણે સારું ઉત્પાદન લઈ શકીએ છીએ. પાલક, તાંદળજો, મેથી અને ધાણાને બીજ ઉગવા સમયે વધારે પડતી ઠંડી, ગરમી અને પાણીનો ભરાવો તેમજ સતત વરસાદ અનુકૂળ આવતો નથી.

વાવણી સમય

પાલક, તાંદળજો, મેથી અને ધાણાને ઉનાળામાં સારું ઉત્પાદન અને સારા ભાવ મેળવવા માટે ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન વાવણી કરી શકાય છે.

વાવણી પદ્ધતિ, અંતર અને બિયારણનો દર

પાલક, તાંદળજાનું વાવેતર ક્યારામાં પુખીને અથવા બે હરોળ વચ્ચે ૨૫-૩૦ સેમી. અંતર રાખી કરવામાં આવે છે, જ્યારે મેથી અને ધાણાનું વાવેતર પણ પુખીને અથવા બે હરોળ વચ્ચે ૨૦-૨૫ સેમી. અંતર રાખી કરવામાં આવે છે. બીજને વાવ્યા પછી ચાસમાં માટીથી ઢાકી દેવા જેથી બીજ હલકા હોવાથી પાણી સાથે તણાઈ ના જાય. ધાણાના બીજને વાવતા પહેલા લાકડાના હલકા પાટીયાથી મસળીને બે ફાડિયાં કરી વાવવા જેથી બીજ સ્કુરણ સારું મળે છે. બીજને વાવતા પહેલા પ૬ કલાક સુધી પાણીમાં ડૂબાડી રાખવા જેથી બીજ સ્કુરણ જલદી અને સારું મળે છે.

બિયારણનો દર પ્રતિ હેક્ટર પાલક માટે ૧૨-૧૫ કિલો, તાંદળજા માટે ૪૫ કિલો, મેથી માટે ૨૫-૩૦ કિલો અને ધાણા માટે ૧૦-૧૨ કિલો.

ખાતર

  • પાલક, તાંદળજો, મેથી અને ધાણા માટે સેન્દ્રિય ખાતર ૨૫-૩૦ કિલો/હેક્ટર.
  • પાલક માટે રાસાયણિક ખાતર : ૨૦ કિલો/હેક્ટર
  • પ્રત્યેક કાપણી પછી તાંદળજા માટે રસાયણિક ખાતર : પાયામાં ૩૦:૨૫:૨૫ ના.ફો.પો. કિલો/હેક્ટેર
  • પૂર્તિ ખાતર : પ્રથમ હપ્તો : ૧૫:૦૦:૦૦ ના ફો.પો. કિલો/ હેક્ટર (બીજી કાપણી પછી)
  • બીજો હપતો : ૧૫:૦૦:૦૦ ના ફો.પો. કિલો/હેક્ટર (ત્રીજી અથવા ચોથી કાપણી પછી)
  • મેથી માટે રસાયણિક ખાતર : પાયામાં ૨૦:૨૦:૦૦ ના ફો.પો. કિલો/હેક્ટર પૂર્તિ ખાતર : પ્રથમ હપ્તો : ૨૦:૦૦:૦૦ ના ફો.પો. કિલો/ હેક્ટર (પ્રત્યેક કાપણી પછી)
  • ધાણા માટે રાસાયણીક ખાતર પાયામાં ૧૦:૧૦:૦ ના ફો.પો. કિલો/હેક્ટર
  • પૂર્તિ ખાતર : પ્રથમ હપ્તો : ૧૦:૦૦:૦૦ ના ફો.પો. કિલો/ હેક્ટર (વાવણીના એક માસ પછી)

પિયત

વાવણી પછી હળવું પિયત આપવું. ઉનાળામાં ૬-૭ દિવસના ગાળે પિયત આપવું. શિયાળામાં ૧૨-૧૫ દિવસના ગાળે પિયત આપવું.

સુધારેલી જાતો

  • પાલક : ઓલગ્રીન, જોબનર ગ્રીન, પુસા જ્યોતિ, પુસા પાલક
  • તાંદળજો : કોઈમ્બતુર ૧, ૨, ૩, અર્કા સુગુણા
  • મેથી : ગુજરાત મેથી-૧, પુસા અર્લી બંચિંગ, કસુરી મેથી
  • ધાણા: ગુજરાત ધાણા-૧, ગુજરાત ધાણા-૨

કાપણી

  • પાલક : વાવેતર કર્યા પછી એક માસે કાપણી કરવામાં આવે છે. ૧૨-૧૫ દિવસના સમયાંતેરે કાપણી કરવી
  • તાંદળજો : વાવેતર કયા પછી ૨૨-૨૫ દિવસે કાપણી કરવામાં આવે છે. ૮-૧૦ દિવસના સમયાંતરે કાપણી કરવામાં આવે છે.
  • મેથી અને ધાણા : વાવેતર કર્યા પછી ૨૫-૩૦ દિવસે કાપણી કરવામાં આવે છે. કાપણી બે રીતે થાય છે.
    • છોડ ઉપાડીને
    • છોડ જમીનની સપાટીથી એક ઈંચ જેટલો ઊંચેથી કાપીને. આમ કરવાથી ૧૦-૧પ દિવસના ગાળે બે કાપણી મળે છે.

ઉત્પાદન

પાલક : ૩૦-૫૦ ટન પ્રતિ હેક્ટર

તાંદળજો : ૧૦-૧૫ ટન પ્રતિ હેક્ટર

મેથી : ૮-૧૦ ટન પ્રતિ હેક્ટર

ધાણા : ૩-૪ ટન પ્રતિ હેક્ટર

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.