પપૈયાની વૈજ્ઞાનિક ખેતી (Papaya cultivtion)

ફળપાકોમાં ૫પૈયા (papaya) એક અગત્‍યનો ટુંકાગાળાનો રોકડીયો પાક છે. ગુજરાત રાજયમાં ૫પૈયાનું વાવેતર ડાંગ જીલ્‍લા સિવાય રાજયનાં બધા જ જીલ્‍લાઓમાં વત્‍તા ઓછા પ્રમાણમાં થાય છે. પોષક આહારની દષ્‍ટ્રિએ પાકા ૫પૈયા પાચક, રેચક, પિતનાશક અને પોષણક્ષ્મ ગણાય છે.તેમાં વીટામીન ”એ” સારા પ્રમાણમાં હોય છે. તેમજ વિટામીન ”સી” (૭૦ મિ.ગ્રા./૧૦૦ ગ્રામ માવો) અને વીટામીન બી-૧ અને બી-ર તથા ક્ષારોનું પ્રમાણ સારૂ છે.

જમીન અને હવામાન

પપૈયાના પાક માટે સારા નિતારવાળી ભરભરી અને વધારે સેન્દ્રિય તત્‍વવાળી જમીન ઉત્‍તમ ગણાય છે. ગોરાડુ, બેસર અને મઘ્‍યમકાળી જમીનમાં પપૈયા સારા થાય છે. પપૈયાનો પાક ઉષ્‍ણ્‍કટિબંધના ગરમ અને ભેજવાળા હવામાનમાંસારી રીતે ઉગાડી શકાય છે. સરેરાશ વરસાદ અને સુકા હવામાનમાં ફળ મીઠા થાય છે. વધુ પડતી ઠંડી અને વધુ વરસાદ પાક સહન કરી શકતો નથી.

અગત્યની જાતો

મધુબિંદુ: ગુજરાતમાં વવાતી આ જાતના બીજમાં નરછોડ નીકળવાનું પ્રમાણ ઓછું હોય છે. ફળ મીઠાં અને સ્‍વાદિષ્‍ટ હોય છે.

કુર્ગ હનીડયુ: મધુબિંદુ જાતમાંથી કુદરતી રીતે કુર્ગ ખાતેથી મળી આવેલ ઉત્‍તમ છોડમાંથી વિકસાવેલ આ જાત છે. આ ફળ લંબગોળ, ફળનો માવો દળદાર, મનપ્સંદ સુગંધવાળો અને ફળ સ્‍વાદમાં મીઠાં હોય છે.

વોશિગ્ટન: આ જાતના છોડ પ્રમાણમાં ઉંચા થાય છે. ફળ ગોળથી લંબગોળ, મઘ્‍યમ કદથી મોટા કદના, મીઠા, સ્‍વાદિસ્‍ટ અને સુગંધવાળાં હોય છે અને ફળની ટકાઉ શકિત સારી હોય છે.

સી.ઓ-ર: છોડ મઘ્‍યમ ઉંચાઈના, ફળ મોટાં, લંબગોળ, ફળ ઉપરની છાલ પીળાશ પડતી લીલી અને માવો નારંગી રંગનો હોય છે. આ જાત પેપીનના ઉત્પાદન માટે ઘણીજ સારી છે.

પુસા ડેલીસીયલ: પ્રાદેશિક સંશોધન કેન્‍દ્ર પૂસા, બિહાર ખાતેથી બહાર પાડેલ જાત છે. આ જાતના ફળ મઘ્‍યમ કદના અને માવો ઘેરા નારંગી રંગનો, ખુબ સ્‍વાદિષ્‍ટ અને મીઠી સુગંધવાળો હોય છે.

ધરૂ ઉછેર માહિતી

પપૈયાનું ધરૂ તૈયાર કરવા માટે ૩.૦ × ૧.ર મીટરના ગાદી કયારા બનાવી દરેક કયારા દીઠ ર૦ થી ર૫ કિલો સારૂ કોહવાયેલુ છાણીયું ખાતર તથા ૫૦૦ ગ્રામ ડાયએમોનિયમ ફોસ્‍ફેટ ખાતર નાંખી કયારા તૈયાર કરવા. કયારાઓમાં ૧૫ સે.મી.ના અંતરે ર સે.મી. ઉંડી હારો બનાવવી અને દરેક હારમાં પાચ સે.મી.ના અંતરે બીજ વાવી દેવા. બીજ વાવ્‍યા બાદ માટી અને છાણીયુ ખાતરના મિશ્રણ વડે હાર પુરી દઈને તુરતંજ હળવુ પાણી આપવું. જયારે ધરૂ ૫ થી ૬ ઈંચનું થાય ત્‍યારે ૮ × ૫ ઈંચની પ્‍લાસ્‍ટીકની કોથળીઓમાં ફેરવવું. જમીનમાં બીજ વાવ્‍યા બાદ ૪૫ થી ૫૦ દિવસે ધરૂ ખેતરમાં રોપવા લાયક બને છે.

રોપણી અંતર અને ફેરરોપણી

જમીનને ખેડી, સમાર મારી, જમીન સમતલ કરી, ર.૫ × ર.૫ મીટરના અંતરે ૧ × ૧ × ૧ ફૂટ માપ્ના ખાડા બનાવી, ખાડા દીઠ ૧૦ કિલો છાણીયુ ખાતર તેમજ ૧૦ ગ્રામ ફયુરાડાન નાખી, ર થી ૩ પપૈયાના છોડ (૪૫ દિવસની ઉંમરના) રોપવા. જયારે ૩ થી ૪ મહિને ફૂલ આવે ત્‍યારે ખાડા દીઠ એક માદા છોડ રાખી બાકીના છોડ કાઢી નાખવા. આ ઉપરાંત અંદાજે ૧૦% નર છોડ એટલે કે અંદાજે ૫૦ છોડ ખેતરમાં છુટા છવાયા રાખવા.

ખાતર વ્યવસ્થા

૫પૈયાને છોડદીઠ રોપણી સમયે ૧૦ કિલોગ્રામ છાણીયુ ખાતર આપવું। ર૦૦ ગ્રામ નાઈટ્રોજન, ર૦૦ ગ્રામ ફોસ્‍ફરસ અને ર૫૦ ગ્રામ પોટાશ ચાર સરખાં હપ્‍તામાં આપવા. પ્રથમ હપ્‍તો રોપણી બાદ બીજા માસે, બીજો હપ્‍તો ચોથા માસે, ત્રીજો હપ્‍તો છઠા માસે અને ચોથો હપ્‍તો આઠમા માસે આપવો. ખાતરો આપ્‍યા બાદ હળવો ગોડ કરવો.

જીવાત નિયંત્રણ

મોલોમશી અને સફેદમાખી: આ જીવાતોના નિયંત્રણ માટે ૧૦ લીટર પાણીમાં ૫ મી.લી. ફોસ્‍ફામીડોન અથવા ૧૦ મી.લી. ડાયમી થોએટ દવા મિશ્ર કરી છંટકાવ કરવો.

રોગ નિયંત્રણ

થડનો કોહવારો : ૫પૈયાના થડને સીધું પાણી અડતું હોય અથવા થડની આસપાસ વધારે ભેજ રહે તો આ રોગ થડમાં થવાની શકયતા રહે છે. આ રોગથી બચવા થડની ફરતે જમીનથી ૫૦-૬૦ સે.મી. ઉંચાઈ સુધી બોર્ડોપેસ્‍ટ લગાવવું બોર્ડોપેસ્‍ટ બનાવવા ૧ કિલોગ્રામ મોરથુથુ, ૧ કિલોગ્રામ કળીચુનો અલગ અલગ ઓગાળી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને બોર્ડોપેસ્‍ટ બનાવી શકાય.

પચરંગીયો (૫પૈયાનો મોઝેઈક) : આ રોગથી ઉત્પાદન ઉપર ઘણી માઠી અસર થાય છે. આ રોગમાં છોડનાં પાન નાના અને લીલાપીળા ધાબાવાળાં થઈ જાય છે. છોડનો વિકાસ રૂંધાય છે અને કાચા ફળો ખરી પડે છે. આ રોગ મોલોમશી અને સફેદમાખીથી ફેલાય છે. રોગયુકત છોડ ઉપાડીને તુરંતજ નાશ કરીએ તો પણ કંઈક અંશે નિયંત્રણ થાય છે.

મૂળનો સડો : આ રોગ ધરૂવાડીયામાં વધુ જોવા મળે છે. અને આ રોગ ફુગથી થાય છે. તેના નિયંત્રણ માટે જે જમીનમાં ધરૂ કરવાનું હોય તેમાં સુકાં પાદડા બાળવા તથા તેમાં બીજને વાવતા પહેલાં એઝોકસીસ્‍ટ્રોબીન (Azoxystrobin) ૧ મી.લી. લીટર દવા ૧ લીટર પાણીમાં નાખી જે જમીનમાં ધરૂ કરવાનું હોઈ તેના પર છંટકાવ કરવો. આ ઉપરાંત બીજને વાવતા પહેલા એક કિલોગ્રામ બીજદીઠ ૩ થી ૪ ગ્રામ થાયરમ કે કેપ્‍ટાન દવાનો ૫ટ આપ્વો.

કૃમિ: આ પાકમાં કૃમિનો ઉપદ્રવ પણ જોવા મળે છે. જેના નિયંત્રણ માટે છોડ દીઠ ૧૦ ગ્રામ ફયુરાડાન રોપણી પહેલાં ખાડામાં નાખવું. આ દવા ધરૂવાડીયાની જમીનમાં પણ ધરૂવાડિયુ બનાવતી વખતે ભેળવવી..

ઉત્પાદન

ફેર રોપણી પછી દસ મહિના બાદ ૫પૈયાના ફળ ઉતરવાની શરૂઆત થાય છે. ફળનો રંગ ઘેરા લીલામાંથી બદલાઈને આછો પીળો થાય તેમજ ફળ ઉપર નખ મારવાથી દૂધના બદલે પાણી જેવું પ્રવાહી નીકળે છે ત્‍યારે ફળ ઉતારવા લાયક ગણાય. સામાન્‍ય રીતે ૫પૈયાના ફળોનું ઉત્પાદન જમીનની ફળદ્રુપતા, માવજત અને ૫પૈયાની જાત ઉપ્ર આધાર રાખે છે. સારી માવજતવાળો ૫પૈયાનો એક છોડ અંદાજે ૪૦ થી ૫૦ કિલો ફળ આપે છે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.