પ્રધાનમંત્રી પાક વીમા યોજના (Prime-minister’s crop insurance scheme)

organic-farming ભારત દેશની કુલ વસ્તીના અંદાજે પ૬ ટકા વસ્તીની રોજીરોટી કૃષિ કે કૃષિ આધારિત ઉદ્યોગો થકી ચાલતી હોઈ કૃષિ એ આપણાં દેશની કરોડરજજૂ સમાન ગણાય છે. આપણી ખેતી મોટેભાગે વરસાદ આધારિત છે તેમજ આબોહવાની અસામાન્ય ઘટનાઓ જેવી કે પૂર, દુષ્કાળ, ચક્રવાતી વાવાઝોડાને કારણે કૃષિ ઉત્પાદન અનિશ્ચિત રહેતું હોઈ ખેડૂતોને ખેતીમાં આકસ્મિક નુકશાન સહન કરવું પડતું હોય છે. આ પ્રકારના નુકસાન સામે રક્ષણ પૂરૂ પાડવા સરકારશ્રી દ્વારા નવીન પ્રધાનમંત્રી પાક વીમા યોજના (Prime-minister’s crop insurance scheme) શરૂ કરવામાં આવેલ છે.

યોજનાના ઉદ્દેશો

  • પૂર્વ અનુમાન ન કરી શકાય તેવા પ્રકારે ખેડૂતોને પાકમાં થતા નુકશાન કે ખોટ સાથે નાણાંકીય સહયોગ ઉપલબ્ધ કરવો.
  • ખેડૂતો નવતર અને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા.
  • કૃષિ ક્ષેત્રે ધિરાણનો પ્રવાહ સુનિશ્ચિત કરી શકાય તેમજ ખેડૂતોને ઉત્પાદનના જોખમો સાથે સુરક્ષા આપી શકાય.

યોજનાની વિશેષતાઓ

  • ખેડૂતોને ઓછું પ્રીમિયમ ભરવાનું થશે અને બાકીના પ્રીમિયમનું ભારણ, જે ૯૦% ઉપરાંતનું હોવા છતાં સરકાર દ્વારા ભરવામાં આવશે.
  • ખાદ્ય પાકો, કઠોળ અને તેલીબિયાંની એક ઋતુ માટે એક પ્રીમિયમ રાખવામાં આવનાર છે.
  • ખેડૂતો માટે ઓછામાં ઓછો પ્રીમિયમ રેટ(દર) – એક પાક એક પ્રીમિયમ (ખરીફ : રX, રવી: ૧.૫%, વાર્ષિક બાગાયત તેમજ કોમર્સિયલ પાકો : પ%)
  • જીલ્લાઓ અને પાકો માટે અલગ-અલગ પ્રીમિયમ દરની મુશ્કેલીથી હવે મુક્તિ મળશે.
  • વીમા રકમ પર કોઈ મર્યાદા ન હોવાથી કુલ દાવા રકમમાં કોઈ ઘટાડો કે કસર નહિં રહે.
  • વાવાઝોડા અને કમોસમી વરસાદના લીધે વાવણી ઉપરાંત થતાં નુકશાનના જોખમનો સમાવેશ કરવામાં આવેલ છે.
  • પાણી ભરાવાની સ્થિતિને સ્થાનિય જોખમોની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.
  • ચોક્કસ અંદાજ અને દાવાની ઝડપી પતાવટ માટે મોબાઈલ અને સેટેલાઈટ ટેકનોલોજીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવા પર ભાર મુકવામાં આવેલ છે.

યોજનામાં વીમાનું એકમ

  • યોજનાનું અમલીકરણ “એરિયા-એપ્રોચ”ના આધારે થશે. મુખ્ય પાકો માટે, વીમાનું એકમ ગામો ગ્રામ પંચાયત હશે અને અન્ય પાકો માટે, વીમાનું એકમ રાજય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. અને ગામ/ગ્રામ પંચાયત કરતાં આ ઊંચા સ્તરનું એકમ હશે.

યોજનામાં વિમાની રકમ

  • યોજનામાં જિલ્લા ટેકનીકલ કમિટી પાકના નાણાંનું કદ નક્કી કરશે અને તેને તે પાક માટે સમ ઈન્સયોડ (વિમાની રકમ) ગણવામાં આવશે. વધુમાં, સમ ઈન્સયોર્ડના મર્યાદાની જોગવાઈ પણ દૂર કરવામાં આવી છે જેથી ખેડૂતો પૂરા સમ ઈન્સયોડનો લાભ ઉઠાવી શકે.

આવરી લેનાર ખેડૂતો

  • જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં સૂચિત કરવામાં આવેલા પાક લેતા તમામ ખેડૂતો, ભાગીદારીથી ખેતી કરતા તેમજ ગણોતથી ખેતી કરતા ખેડૂતો સહિત તમામ ખેડૂતો વીમાની રકમ, આવર્તન માટે પાત્રતા ધરાવે છે. ઋણ નહિ લીધેલા ખેડૂતોએ રાજ્યના હક્કપત્રક (POR)માં જમીન સંબંધિત પૂરાવા, જમીન ધારણ કરતા હોવાનું પ્રમાણપત્ર (LPC) વગેરે દસ્તાવેજો રજૂ કરીને અથવા સંબંધિત રાજય સરકારે જાહેર કરેલા મંજૂર કરેલ લાગુ પડતા સહમતિના કરારની વિગતો, અન્ય દસ્તાવેજો (ભાગીદારીથી ખેતી કરતા કે ગણોતથી ખેતી કરતા ખેડૂતો માટે) રજૂ કરવાના રહેશે.
  • જે ખેડૂતોએ નાણાંકીય સંસ્થાઓ પાસેથી સૂચિત પાક માટે મોસમી કૃષિ કાર્યક્રમ અંતર્ગત ધિરાણ લીધું હોય તેવા ખેડૂતોને આ યોજનામાં ફરજીયાત પણે સામેલ કરવામાં આવશે. જેણે ધિરાણ લીધેલ ન હોય તે ખેડૂતો માટે યોજનામાં જોડાવું ફરજીયાત નથી.

યોજના હેઠળ આવરી લેવાયેલ અને બાકાત રાખવામાં આવેલ જોખમો

  • આગ લાગવી, વીજળી પડવી, વાવાઝોડું, કરાં પડવા, ચક્રવાત, વંટોળિયું, પૂર, પ્રચંડ પૂર, ભૂસ્ખલન, દુષ્કાળ, હવામાન, પાકમાં રોગચાળો અને જીવાત વગેરેના લીધે થનાર ઉપજના નુકશાનને સુરક્ષા પૂરી પાડવા વ્યાપક જોખમ વીમો પૂરો પાડવામાં આવશે.
  • સંરક્ષાત્મક વાવણીના આધારે જો વીમિત ખેડૂત વિપરીત હવામાનના લીધે વાવણી, રોપણીથી સંરક્ષિત હોય તો વાવણી/રોપણી ઉપર ખર્ચવા છતાં, તેઓ સમ ઈન્સયોડના રપ%નો દાવો મેળવી શકશે.
  • લણણી બાદ ખેતરોમાં વધુમાં વધુ બે અઠવાડિયા સુધી રાખવામાં આવેલ પાક ચક્રવાત, કમોસમી, ચક્રવાતથી વરસાદના જોખમ સામે પ્રભાવિત ખેતરને સમાવિષ્ટ કરવામાં આવશે અને દાવાઓનું આાંકલન અને તદનુસાર ચૂકવણી કરવામાં આવશે.
  • સામાન્ય બાકાત બાબતો : યુદ્ધ અને પરમાણુ જોખમો, દુષ્ટબુદ્ધિથી કરવામાં આવેલ નુકશાન તેમજ અન્ય અટકાવી શકાય તેવા પ્રકારનાં જોખમોને બાકાત રાખવામાં આવ્યા છે.

પાક વીમા પોર્ટલ ઉપર માહિતી

ભારત સરકારે તાજેતરમાં જ પાક  પોર્ટલ www.agri-insurance.gov.in સુવ્યવસ્થિત વહીવટ, તમામ હિતધારકો વચ્ચે સંકલન, માહિતીનો ખેડૂતો, રાજયો, વીમા કંપનીઓ અને બેંકોમાં યોગ્ય આદાન-પ્રદાન થાય તથા પારદર્શકતા જળવાઈ રહે તે હેતુથી બનાવેલ છે. પાક વીમા કાર્યક્રમ અને તેના વિવિધ તબક્કે તેનો અમલ, જુદા જુદા તબક્કે માહિતીની ડેટા-એન્ટ્રી માટેનાં કાર્ય અને ભૂમિકા તથા જવાબદારીઓ વગેરે દર્શાવવામાં આવ્યાં છે. પાયાની માહિતી જેવી કે જાહેર કરાયેલ વિસ્તારો, પાક, લીધેલા વીમાની રકમ, સરકારની સબસિડી, ખેડૂતોએ ચૂકવવાનું થતું પ્રીમિયમ, જે તે વીમા એકમમાં કાર્યરત સંબંધિત વીમા કંપનીઓનાં નામ વગેરે વિગતો ડિજીટલ સ્વરૂપે વેબસાઈટ પોર્ટલ ઉપર મૂકવામાં આવી છે. જેથી ખેડૂતો અને અન્ય હિત ધારકો ઈન્ટરનેટ ઉપર તેમજ એસ.એમ.એસ. (S.M.S.) મારફતે સંબંધિત માહિતી મેળવી શકે. આ ઉપરાંત ખેડૂતોને માહિતી પ્રાપ્ત કરવામાં સરળતા રહે તે હેતુથી બહેતર વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે એનરોઈડ આધારિત ‘પાક વીમા એપ્પ’ પણ શરૂ કરવામાં આવેલ છે.

પાક લણણીના વિસ્તારની છબીઓ ઝડપી પાડવા સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવામાં આવશે અને તેને ઇન્ટરનેટ દ્વારા મોકલવામાં આવશે જેથી વીમા કંપનીઓ ઉપજની માહિતી શક્ય તેટલી જલ્દી મેળવી શકે. આનાથી દાવાની વહેલી પતાવટ થશે. રીમોટ સેન્સિગ ટેકનોલોજી અને પાક લણણી પ્રયોગની સંખ્યામાં ઘટાડો થશે અને ઉપજમાં નુકશાનની ગણતરી પણ મૂકવામાં આવશે.

યોજના માટે નોંધણી કરવા ખેડૂતોએ ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ

સરકાર દ્વારા આ યોજનાના જાહેરનામાની નકલ દરેક બેંકને પરિપત્રિત કરવામાં આવ્યા બાદ ખેડૂતોએ ikhedut (https://ikhedutgujaratgov.in/ ) ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં ખેડૂતોએ તેનો સર્વે નંબર, વિસ્તાર, ધિરાણની વિગત, કયો પાક લેવાનો છે વગેરેની ઓનલાઈન અરજી કરવી. જાહેરનામામાં વિસ્તાર આધારિત દર્શાવેલ પાક જ લેવાનો રહેશે. લોન લીધેલ/ન લીધેલ પાક ઉત્પાદકો નવી પાક વીમા યોજનાનો લાભ મેળવવા હક્કદાર છે. લોન ન લેતા ખેડૂતોએ વીમા યોજનાના લાભો માટે I-ખેડૂત પોર્ટલમાં જઈ જે તે બેનીફિટસની પસંદગી કરવી.

  • સૌ પ્રથમ વીમા પ્રીમિયમની ગણતરી જોવા માટે પ્રીમિયમ કેલ્કયુલેટરનો ઉપયોગ ખેડૂતો કરી શકશે. અરજીની વિગતો ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. અરજદારે નીચે દર્શાવેલ ભાગ ૧,૨, અને ૩ ની વિગતો ભરવાની રહેશે. (અ) ભાગ-૧ અરજદારની પ્રાથમિક માહિતી (બ) ભાગ-ર અરજદારની જમીન ખાતા અને ખાતેદારની માહિતી (ક) ભાગ-૩ પાક જમીન ક્ષેત્રફળ અને તેના વીમા અંગેની માહિતી
  • અરજદારે મોબાઈલ નંબર આપવો ફરજીયાત છે અને તેને SMS દ્વારા આ યોજનાની જાણકારી મળશે.
  • I-ખેડૂત પોર્ટલની અરજીની પ્રિન્ટઆઉટ કાઢી ખેડૂતે અરજી ફોર્મ ઉપર સહી અથવા અંગૂઠો કરી જે તે વીમા કંપની, પ્રાઈવેટ બેંક કે જયાંથી વીમો લેવો હોય ત્યાં સબમિટ કરવાની રહેશે.
  • ખેડૂતોએ પાક વીમા માટેનું અરજી ફોર્મ બેંકને અથવા ઈન્સયોરન્સ કંપની દ્વારા નક્કી કરેલ એજન્ટ દ્વારા નક્કી કરેલ તારીખ સુધીમાં જરૂરી વીમાની રકમ અને દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
  • બેંક જે અરજી ફોર્મ (દરખાસ્ત પત્ર)ને સ્વીકારીને રસીદ આપશે તે અરજી ફોર્મ (દરખાસ્ત પત્ર)માં અરજદાર દ્વારા કોઈ સુધારા વધારા થઈ શકશે નહિ. બેંકે જે સર્વે નંબરનું ફોર્મ સ્વીકારીને તેની ઓનલાઈન રસીદ આપેલ હોય તેવા સર્વે નંબર માટે બીજુ અન્ય ફોર્મ બીજી બેંક સ્વીકારી શકશે નહી. જયાં સુધી એક સર્વે નંબરનું ક્ષેત્રફળ પુરેપુરુ વપરાયેલ નહિ હોય ત્યાં સુધી આંશિક ક્ષેત્રફળની જુદી જુદી અરજીઓ કરી શકાશે અને બેંકો સ્વીકારી શકશે. અરજદારે દરખાસ્ત પત્રની પ્રિન્ટ જે તે બેંકમાં રજૂ કરીને ત્યાંથી તેની રસીદ મેળવી લીધા બાદ જે પાક અથવા પાકની અન્ય વિગતોમાં સુધારો જણાય તો તેને ઘોષણાપત્રક ભરીને તેની પ્રિન્ટ લઈને જે તે બેંકમાં રજૂ કરવાની રહેશે.

આ યોજના તમામ રાજય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે વૈકલ્પિક છે, તેથી તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આ યોજનામાં ભાગ લઈ શકે છે. અનાજ, તેલીબિયાં, એન્યુઅલ હાર્ટિકલ્ચર કોમર્સિયલ પાકો ઉગાડતા ખેડૂતો રાજય કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા નોટિફાય કરવામાં આવેલ વિસ્તારો અને પાકોમાં પાકનો વીમો ઉતરાવી શકે છે. નવી યોજના કેસીસી (KCC ) ખાતાધારકો (લોની ખેડૂતો તરીકે ઓળખાતા) માટે ફરજીયાત છે અને અન્ય તમામ ખેડૂતો પણ ઈચ્છે તો પાકનો વીમો ઉતરાવી શકે છે. યોજનામાં નોંધણી કરવી સરળ છે અને તે નુકશાનની સામે મહત્તમ સુરક્ષા પુરી પાડશે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.

1 thought on “પ્રધાનમંત્રી પાક વીમા યોજના (Prime-minister’s crop insurance scheme)”

Comments are closed.